જાણો શું છે કાઈઝન પદ્ધતિ !

                 જાપાનીઝ KAIZEN પદ્ધતિ અપનાવશો તો સફળતાના ઊંચા આસને પહોંચતા કોઈ નહિ રોકી શકે . 




        બીજા વિશ્વયુદ્ધ બાદ પરમાણુ બોમ્બના અટેકથી ગ્રસ્ત જાપાનની ઈકોનોમી સાવ ખાડે ગઈ હતી . આવામાં જાપાનમાં મેન્યુફેક્ચરીંગ વધે અને અમેરિકન સૈનિકોને મદદ મળે તે માટે અમેરિકન જનરલ મેકઆર્થરે જાપાનીઝ લોકોને એક પદ્ધતિ શીખવી . તે પદ્ધતિનો ઉપયોગ કરીને જાપાન આજે વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમિ બની ગઈ છે . જાપાનમાં તે પદ્ધતિનો ઉપયોગ તો થતો હતો પણ દુનિયાને તે પદ્ધતિ વિશે જાણકારી આપવાનું અને કાઈઝન શબ્દ વિશ્વસ્તરે પ્રખ્યાત કરવાનું કામ ' મસાકી ઈમાઈ એ કર્યું . મસાકી ઈમાઈની બુક " Kaizen , the key to Japan's competitive success " આવ્યા પછી દુનિયાભરમાં કાઈઝન પર વાતો થવા લાગી .



KAIZEN એટલે શું ?

      કાઈઝન એક જાપાનીઝ શબ્દ છે જેમાં કાઈનો અર્થ પરિવર્તન થાય અને ઝેનનો અર્થ સારી બાબત થાય . તમે મારુતિ સુઝુકી ઝેનનું નામ તો સાંભળ્યું જ હશે . આમ કાઈઝનનો અર્થ સારી બાબતો માટે પરિવર્તન ( change for the better ) થાય છે કાઈઝનનો સિદ્ધાંત એ છેકે મોટા - મોટા બદલાવો કરવા કરતાં નાના - નાના કદમ અને બદલાવ દ્વારા આગળ વધવું . નાના ડગલાં અને મોટું લક્ષ્ય , નાનકડા પગલે વિરાટ છલાંગ એ કાઈઝનનો મુખ્ય ખ્યાલ છે . ઉદાહરણ તરીકે તમે કોક પીવાની આદત છોડવા માંગો છો , તો રોજ માત્ર એક ઘૂંટ ઓછું પીવો આ બાબત હાસ્યાસ્પદ લાગી શછે છે પણ આટલા નાના કદમ દ્વારા પણ જીવનમાં મોટા બદલાવો આવી શકે છે .



KAIZEN શું કામે ?        

         આપણા મગજને લાગે છેકે જીવનમાં મોટા પરિવર્તન લાવવા ખૂબ અઘરું કામ છે , માત્ર મોટા કદમ લેવાથી જ મોટા પરિણામો અને બદલાવો જોવા મળે છે અને રોજ કંઈક નવું અને અલગ કરવાથી જ સફળતા મળે છે . પરંતુ આ સત્ય નથી . કાઈઝન પદ્ધતિ કહે છેકે પરિવર્તન લાવવા ખૂબ સહેલું છે , નાના કદમ દ્વારા જ મોટા બદલાવો આવે છે અને કોઈ એક વસ્તુ પર રોજ થોડું - થોડું કામ કરવાથી સફળતા મળે છે . ઘણીવાર ઉતાવળમાં મોટા કદમો ઉઠાવીને સફળતા મળી પણ જાય છે પણ ટકતી નથી . સફળતા મેળવવા અને તેને ટકાવી રાખવા માટે કાઈઝન પદ્ધતિનો જ ઉપયોગ કરવો પડે છે .



મનોવિજ્ઞાન અનુસાર આપણું મગજ અને શરીર મોટા પરિવર્તનો સહન કરી શકતું નથી . મોટા પરિવર્તનો માટે મગજને નાની - નાની આદતો વડે ટેવાડવું પડે છે . જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો તુરંત અઘરી ડાયટ અને જીમમાં પહેલા જ દિવસે કલાક વર્કઆઉટ કરવા જશો તો જીમનો પહેલો દિવસ જ છેલ્લો દિવસ બની જશે . જો કોઈ વ્યસન છોડવું હોય એકદમથી છોડશો તો મગજ અને શરીરથી સહન નહિ થાય કોઈ કાર્ય કરવા માટે તુરંત મોટા - મોટા પગલાં લેવા માંડશો અને અઘરું ટાઈમ - ટેબલ બનાવશો તો માનસિક તાણ રહેશે . રોજ થોડુ - થોડું આગળ વધવાથી , નાના નાના પગલાં સાથે રોજ નાના - નાના સુધારા કરવાથી કોઈપણ જાતના તણાવ વગર આરામથી લક્ષ્યો હાંસિલ થતા જશે.



જાપાને કઈ રીતે કાઈઝનનો ઉપયોગ કર્યો ?

         બીજા વિશ્વયુદ્ધ બાદ જાપાને મેન્યુફેક્ચરીંગ વધારવા મોટા - મોટા મશીન લેવા અને વધુ લોકોને હાયર કરવા કરતાં બધી ફેક્ટરીઝમાં સજેશન બોક્સ રાખી દીધા . ત્યારબાદ દરેક એમ્પ્લોઈઝને કહ્યું કે પ્રોડક્શન વધારવા તમારા મનમાં જે કોઈ નાના પગલાં કે સુધારા ધ્યાનમાં હોય તે લખીને સજેશન બોક્સમાં નાખો . કંપનીએ તુરંત તે સલાહો પર કામ કરવાનું ચાલુ કરી દીધું અને થોડાજ દિવસોમાં પ્રોડક્શન ખૂબ વધી ગયું . આજ પદ્ધતિનો ઉપયોગ કરીને તબાહ થઈ ગયેલ ટોયોટા કંપની નંબર 1 ઓટોમેન્યુફેક્ચરર બની ગઈ . નાના - નાના સજેશન બિઝનેસને અનેક ગણો મોટો કરી શકે છે .



ભણતરમાં કાઈઝનનો ઉપયોગ

                 માનો કે તમે 10 માં ધોરણમાં ભણો છો અને બોર્ડ એક્ઝામ 100 દિવસ દૂર છે . તો 100 દિવસ માટે સિલેબસના 100 ટુકડા કરીને રોજ એક ટુકડા જેટલો અભ્યાસ કરશો તો બોર્ડ એક્ઝામ આવશે ત્યારે માનસિક તાણ નહિ રહે અને સહેલું લાગશે . વિક્લી ટેસ્ટ સહેલી લાગે છે પણ બોર્ડ એક્ઝામ અઘરી લાગે છે , એનું કારણ એજ છેકે મગજ મોટા બદલાવથી , મોટા લક્ષ્યથી ડરે છે . પણ જો તમે મગજને રોજ થોડું - થોડું ટ્રેન કરશો , રોજ થોડુ વાંચશો તો મગજ ટેવાઈ જશે અને તમે એક્ઝામ એકદમ બેફિકર થઈને આપતા હશો . જો માત્ર અંતિમ દિવસોમાં જ અભ્યાસ કરવા જશો તો મોટા મોટા પગલાં લેવા પડશે , એકસાથે વધુ વાંચવું પડશે જેમાં અમુક નાની બાબતો ચૂકાઈ જશે અને ડરના કારણે મગજ પણ અડધી બાબતોને ભૂલી જશે . પાસ બધા થશે પણ ઉતીર્ણ તો કાઈઝન પદ્ધતિ ફોલો કરનાર વિદ્યાર્થી જ થશે .




કાઇઝન - એક મિનિટ સિદ્ધાંત 

            કાઈઝન એટલે રોજ નાના - નાના પરિવર્તનો કરવા . નાના એટલે ખૂબ જ નાના પરિવર્તન . પછી તે માત્ર 1 મિનિટનું પણ ભલે હોય . તમે કોઈ નવું લક્ષ્ય નિર્ધારિત કરો છો તો તેની શરૂઆત માત્ર 1 મિનિટ કરીને કરો . માત્ર એકજ મિનિટ , વધુ નહિ . જ્યારે કોઈ કામ ડાયરેક્ટ ૩૦ મિનિટ કે કલાક કરો છો ત્યારે મગજને તે કામ ન કરવાનું બહાનું મળી જાય છે . મગજ કહે છેકે આ અઘરું છે , પછી કરીશ અને પછી ક્યારેક 1 વર્ષમાં રૂપાંતરિત થઈ જાય છે . તમે કસરત કરવા માંગતા હોવ તો એક અઠવાડિયું 1 મિનિટ કસરત કરો . આળસુ વ્યક્તિ પણ 1 મિનિટ કરી શકશે . પછી ધીમેધીમે સમય વધારતા જાવ અને તમે અડધી કે એક કલાક કસરત ખૂબ આરામથી અને મોજમાં કરી શકશો .




        કોઈ અન્ય નવા કાર્યની શરૂઆત પણ તમે 1 મિનિટ દ્વારા કરશો તો પહેલો લાભ તો એ થશે કે તમે એક્શન લેતા થઈ જશો . બીજો લાભ એ મળશે કે તમે રોજ પ્રગતિ જોઈ શકશો અને મોટીવેટ રહી શકશો . ત્રીજો લાભ એ થશે કે એ કામ તમારી આદત બની જશે અને તણાવ નહિ રહે . નાની એવી શરૂઆત કરવાથી અને રોજનાના પગલાં ભરવાથી આત્મવિશ્વાસ કેળવાશે તેમજ તમને તમારી જાત પર પછતાવો નહિ રહે , તમે બિચારાપણું નહિં અનુભવો . રોજ એક નાનુ કામ પૂર્ણ કરવાથી તમે સફળતા અનુભવવાની ચાલુ કરશો અને પ્રેરિત થઈને એ કામમાં વધુ સમય અને પ્રયાસો આપવાનુ ચાલુ કરશો.નાના - નાના પ્રયાસોનો સરવાળો એટલે સફળતા.



              શરીરમાં રસી દ્વારા એકદમ નાની માત્રામાં જીવાણુ દાખલ કરવામાં આવે છે અને શરીર તે સહન કરી મોટા રોગ સામે લડવાની શક્તિ પ્રાપ્ત કરે છે . એજ રીતે નાના સ્ટેપ દ્વારા જ મોટા લક્ષ્યો પ્રાપ્ત થાય છે . સફરમાં નાનીનાની સમસ્યા આવે તો ત્યારેજ સોલ્વ કરી નાખો , નહિતો તે મોટી સમસ્યાનું રૂપ લઈ લેશે . તમે પણ આજથી જ કાઈઝન પદ્ધતિને તમારા જીવનમાં અને બિઝનેસમાં લાગુ કરીદો અને આનંદપૂર્વક આગળ વધવા લાગો . જો તમને પોસ્ટ પસંદ આવી હોય તો શેર જરૂર કરો .  



ધન્યવાદ :-)

કૈલાસ મંદિર વિષે જાણવા અહીં ક્લિક કરો

Who is Jagdeep Dhankhar..?

Post a Comment

Previous Post Next Post